Tuesday 13 March 2018

વર્લ્ડ કપમાં ભારતીય શૂટર્સનું ઐતિહાસિક પ્રદર્શન


મેક્સિકોમાં સંપન્ન થયેલા આઈએસએસએફ વર્લ્ડ કપમાં ભારતીય શૂટર્સે ઐતિહાસિક પ્રદર્શન કરતા મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારતે શૂટિંગ વર્લ્ડ કપમાં કુલ ચાર ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત કુલ નવ મેડલ જીત્યા હતા. વર્ષના પ્રથમ ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડ કપમાં અમેરિકાના બે વખતના ઓલિમ્પિક ચેમ્પિયન વિન્સેન્ટ હેનકોકે પુરૂષોની સ્કીટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં ત્રણ ભારતીય શૂટર્સ હતા જેમાં સમિત સિંઘ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ૧૧૬ શોટ સાથે ૧૫મા સ્થાને રહ્યો હતો. જ્યારે અંગદ બાજવા ૧૧૫ શોટ સાથે 18મા તથા શિરાઝ શેખ ૧૧૨ના સ્કોર સાથે 30મા સ્થાને રહ્યો હતો. 
જોકે, ભારત પ્રથમ વખત શૂટિંગ વર્લ્ડ કપમાં મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું હતું. બેઈજિંગ અને લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા હેનકોકનું પ્રદર્શન ૨૦૧૫ની વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ અપેક્ષા પ્રમાણેનું રહ્યું ન હતું. જોકે, વર્લ્ડ કપમાં તેણે ફરીથી પોતાનું ફોર્મ મેળવી લીધું હતું અને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા હાંસલ કરી હતી..
ભારતે જે ચાર ગોલ્ડ મેડલ જીત્યા તે ચારેય શૂટર પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા હતા. શાહઝર રિઝવી, મનુ ભાકેર, અખિલ શેરોન અને ઓમ પ્રકાશ મિથારવલ પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં જ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા. જ્યારે અંજુમ મુદગિલે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે જીતુ રાય જેવો અનુભવી શૂટર બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય શૂટર્સના આ પ્રદર્શનને જોતા જ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શૂટર અભિનવ બિન્દ્રાએ કહ્યું હતું કે આ ભારતીય શૂટિંગના નવા યુગનો પ્રારંભ છે. 

No comments:

Post a Comment