Tuesday 13 March 2018

રમણભાઇ નીલકંઠની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાશે



રમણભાઇ નીલકંઠનું અમદાવાદની સમાજિક સાંસ્કૃતિક રચનામાં બહુ મોટું પ્રદાન છે, પિતા મહિપતરામ રૂપરામના સામાજિક કાર્યોને આગળ ધપાવનાર તેમજ પોતાના પત્ની વિદ્યાગૌરી નીલકંઠને ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા બનવામાં સિંહફાળો આપનાર રમણભાઇ નીલકંઠ તેમની ‘ભદ્રંભદ્ર' અને ‘રાઇનો પર્વત' માટે આજે પણ સામાન્ય ગુજરાતી વાચકોમાં ખાસ લોકપ્રિય છે. અમદાવાદના મેયર રહી ચુકેલા રમણભાઇ નીલકંઠની આજે ૧૫૦મી જન્મજયંતિ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેલી તેમની પ્રતિમાને મેયરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો છે.
ઇતિહાસકાર અને લેખક ડૉ. રીઝવાન કાદરીએ જણાવ્યું કે, રમણભાઇની આ પ્રતિમાનું લોકાર્પણ ખુદ સરદાર પટેલે કરેલું, ૧૬--૧૯૩૧ના રોજ કરાચી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે વ્યસ્ત હોવા છતાં સરદાર હાજર રહેલાં. એ તેમનું યોગદાન દર્શાવે છે. હું તેમને અમદાવાદની સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઘડવૈયા કહું છું. ૧૯૦૨માં પ્રથમ વખત અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું, ત્યારે ૧૯૦૧માં કલકત્તામાં છેલ્લા દિવસે યજમાન પદ લેવાની ઘોષણા કરતાં તેમણે કહેલું કે, અમારે ત્યાંથી છપન્નિયા દુકાળના વાદળો વિખેરાયા નથી છતાં અમદાવાદ યજમાની સ્વીકારવા તૈયાર છે. લેખક રતિલાલ બોરિસાગરે જણાવ્યું હતું કે, મેં ભદ્રંભદ્ર પર બે લઘુનવલકથા લખી છે. એમની પરિવર્તન સામે પ્રત્યાઘાતની માનસિકતા તેને હંમેશા પ્રસ્તુત બનાવે છે. તેની ભાષામાં જ તેનું સૌંદર્ય છે, જો ભદ્રંભદ્રના મોંમાંથી એ શબ્દો કાઢી લેવાય તો એનો ચાર્મ જ ન રહે.

No comments:

Post a Comment