Saturday 10 March 2018

અસાધ્ય બીમારીમાં હવે ‘ઇચ્છા મૃત્યુ'નો અધિકાર



સુપ્રીમકોર્ટે શુક્રવારે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કેટલીક શરતો સાથે ઇચ્છામૃત્યુ (પેસિવ યુથનેશિયા)ને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમકોર્ટના પાંચ જજીસની બંધારણીય બેન્ચે જણાવ્યું કે સન્માનથી મરવાનો દરેક વ્યકિતનો મૌલિક અધિકાર છે. બંધારણીય બેન્ચે 'લિવિંગ વિલ'ની પણ મંજૂરી આપી. તેના હેઠળ અસાધ્ય રોગથી પીડિત વ્યક્તિની ઇચ્છા પર ડોક્ટર તેનું જીવનરક્ષક ઉપકરણ (લાઇફસપોર્ટ સિસ્ટમ) હટાવી શકે છે. બંધારણીય બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું કે બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળ જીવવાના અધિકારમાં ગરિમાપૂર્ણ રીતે મરવાનો અધિકાર પણ સામેલ છે. આ ચુકાદાથી કોમામાં સરી પડેલા કે મૃત્યુશૈયા પર પહોંચેલા લોકોને નિષ્ક્રિય ઇચ્છા મૃત્યુનો હક હશે.
એનજીઓ કોમન કોઝની અરજી પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. ૨૦૦૫માં ઇચ્છામૃત્યુ અંગે આ અરજી કરવામાં આવી હતી. બંધારણીય બેન્ચે આ મામલામાં ગયા વર્ષની ૧૧મી ઓક્ટોબરે જ ચુકાદો અનામત રાખ્યો હતો. 
ઇચ્છામૃત્યુનો અધિકાર આપનાર ભારત ૨૨મો દેશ, ૧૩ વર્ષ બાદ ચુકાદો
અસાધ્ય બીમારીથી પીડિત વ્યક્તિને પોતાના મૃત્યુની પસંદગીનો અધિકાર છે
ઈચ્છામૃત્યુની બે રીત
પહેલી - નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ અને બીજી - સક્રિય ઈચ્છામૃત્યુ.
નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની બાબતમાં એવી વ્યક્તિને તેના પરિવારજનોની મંજૂરીથી મરવાની છૂટ અપાશે, જે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર બેભાન અવસ્થામાં રહે છે, પરંતુ ટેક્નિકલ રીતે તે જીવિત હોય છે. પરિવારજનો ન હોય તો ડોક્ટર પણ આ નિર્ણય કરી શકે છે. 
સુપ્રીમકોર્ટ દ્વારા જારી કરાયેલા દિશા-નિર્દેશ
. એવા દર્દી જેઓ ગંભીર રીતે બીમાર છે જેમના ઉપચારની સંભાવના ન બચી હોય તેઓ ઇચ્છામૃત્યુ માટે લખી શકે છે.
. પરિવારજનોની સહમતિ પણ અનિવાર્ય છે. 
. દર્દી કે તેના પરિવારજનોએ હાઇકોર્ટમાં ઇચ્છામૃત્યુ માટે અરજી કરવી પડશે.
. હાઇકોર્ટ સંબંધિત વ્યક્તિની તપાસ માટે એક મેડિકલ બોર્ડની રચના કરવાનો આદેશ જારી કરશે.
. મેડિકલ બોર્ડમાં એક્સપર્ટ ડોક્ટર દર્દીના શરીરની તપાસ કરીને એવા નિષ્કર્ષ પર આવશે કે દર્દીનો ઉપચાર શક્ય છે કે નહીં તેના સાજા થવાની સંભાવનાઓ છે કે નહીં
. મેડિકલ બોર્ડની મંજૂરી મળ્યા પછી હાઇકોર્ટ સંબંધિત હોસ્પિટલ, જ્યાં દર્દી દાખલ છે, તેના અધિક્ષકને દર્દીની લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવવા માટે આદેશ જારી કરશે.
. કોઇ એવી વ્યક્તિની લાઇફ વિલ અંગે સંપૂર્ણ તપાસ થશે, જેને સંપત્તિ કે વારસામાં લાભ થવાનો હોય. રાજ્ય સરકાર દ્વારા આ તપાસ કરાવવામાં આવશે. જેથી તેનો દુરુપયોગ ન થાય. 

No comments:

Post a Comment